ગુજરાતમાં હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે કાલે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ અને સુરતમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે નદીઓમાં નવા નરી આવ્યા હતા અને રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતા.
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યાં હતા. બીજી તરફ પોરબંદર જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ સુધી ચોમાસું પહોંચ્યું છે. ભરૂચમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. તો છોટા ઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો છે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ, સુરતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.