સાંસદ રાજેશ ચુડાસમામાં ફરી પોતાના ધમકી ભર્યા નિવેદનને લઈને વિવાદમાં આવ્યા છે. સાંસદે જાહેર કાર્યક્રમમાં વિરોધીઓ માટે ધમકી ઉચ્ચારી હતી કે, કે ભાજપ હિસાબ કરે કે ના કરે પરંતુ મને જે નડ્યા છે તેને હું નહીં મુકું.ત્યારે તેમની આ ધમકીને પગલે જે પક્ષને જે લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેમનામાં ડરનો માહોલ છે. આ ડરના કારણે ભાજપના જ કાર્યકરે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભીત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઇ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે તેમજ વેરાવળના ભાજપ નેતા રાકેશ દેવાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આ વીડિયો બનાવાની ફરજ એટલે પડી કે અમારા વિસ્તારના સેવાભાવી ડો. અતુલ ચગ સાહેબે આત્મહત્યા કરી હતી. તેમણે સ્યુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. તે વખતે મે પોલીસને કહ્યું હતું કે જે જવાબદાર હોય તેમને છોડવા ના જોઇએ. 3 મહિના પછી ફરિયાદ નોંધાઇ હતી પણ આ કેસમાં રાજેશ ચુડાસમાની કોઇ ધરપકડ થઇ નથી. ચૂંટણી સમયે તથાકથિત સમાધાનની વાતો આવી હતી. આ કેસમાં કોર્ટે ક્લીન ચીટ આપી નથી. રાજેશ ચુડાસમા માંડ માંડ જીત્યા છે. હમણાં પ્રાચીમાં જે આભાર સમારોહમાં સાંસદે ધમકી આપી હતી કે જે મને નડ્યા તેમને મુકવાનો નથી. મે તેમનો ખુલ્લેઆમ વિરોધ કરેલો હતો કે તેમને મત રુપી દાન ના આપતા. તેમની ગર્ભીત ધમકી બાદ મને ડર લાગે છે. મે પોલીસ અધિકારીઓ અને મુખ્યમંત્રી ઉદ્દેશીને અરજી ઇનવર્ડ કરી છે. મારા જાનમાલને ખતરો છે. રાજેશ ચુડાસમા સામે ભયનો માહોલ ઉભો થયો છે.
આ ધમકી મામલે જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી છે. જેમાં તેમણે સાંસદની ખુલ્લી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજૂઆત કરી છે. તેમણે કહ્યં કે, ગત ચૂંટણીમાં ડો. અતુલ ચગ આત્મહત્યા મામલે તેમણે સાંસદનો વિરોધ કર્યો હતો. જેથી સાંસદ ચુડાસમા તેના મળતીયા મારફતે હુમલો કરાવે તેવી દહેશત વ્યક્ત કરી છે.તેમણે સાંસદના જાહેર ધમકી મામલે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ જો તેમને અથવા તેમના પરિવારને કંઈ પણ થાય તો તેના જવાબદાર રાજેશ ચુડાસમાં હશે તવું પણ ફરિયાદમાં જણાવ્યું છે.