રાજકોટ: શહેરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રવિવારથી વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મહુડી, 150 ફૂટ રોડ, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વરસાદની સીઝન શરૂ થતા જ મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રારંભ બાદ રાજકોટવાસીઓ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જે રાહ ગઈકાલે પૂરી થઈ હતી. રાજકોટ જિલ્લામાં બપોરના સમયે વરસાદ વરસ્યા બાદ સાંજે શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરના 150 ફૂટ રીંગરોડ, માધાપર ચોક, શીતલપાર્ક, અયોધ્યા ચોક, ગાંધીગ્રામ, રૈયા રોડ, રામપીર ચોકડી, યાજ્ઞિક રોડ, ભક્તિનગર સર્કલ આસપાસના વાણીયાવાડી, ગાયત્રી નગર, ગોપાલ નગર, સહકાર મેઈન રોડ ઉપરાંત આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, મવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આજે રવિવારની રજા હોય લોકોએ પણ પ્રથમ વરસાદની મનભરીને મજા માણી હતી. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ, જસદણ અને જેતપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.