આજથી 18મી લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર અનેક રીતે ઘણું ખાસ બનવાનું છે. પહેલા સત્રમાં સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવશે. આ સાથે જ સ્પીકરની પણ ચૂંટણી થશે. આ દરમિયાન 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે. ત્યાર પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી 28 જૂને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને 2 કે 3 જુલાઈએ વડાપ્રધાન મોદી તેનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી શરૂ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. આ દસ દિવસમાં કુલ આઠ બેઠક થશે.
પીએમ મોદીએ સાંસદ તરીકે શપથ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 18મી લોકસભા સત્રમાં સાંસદ તરીકે શપથ લીધા છે. પ્રોટેમ સ્પીકર ભરથરી મહતાબે પીએમ મોદીને શપથ લેવડાવ્યા છે. પીએમ મોદીએ શપથ લીધા બાદ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહે સાંસદ તરીકે શપથ લીધા હતા.
રાજનાથ સિંહ, શિવરાજ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરે શપથ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ બાદ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના કરનાલના સાંસદ મનોહર લાલ ખટ્ટરે શપથ લીધા હતા. આ સાથે જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ પણ સાંસદ તરીકે શપથ લીધા છે.
ધર્મેન્દ્ર પ્રધાન, જીતન રામ અને લલન સિંહે સાંસદ તરીકે શપથ લીધા.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. આ સાથે હિન્દુસ્તાન અવમ મોરચાના નેતા જીતન રામ માંઝી અને JDU નેતા રાજીવ રંજન સિંહે સાંસદ તરીકે શપથ લીધા છે.