Rajkot TRP game zone Fire: રાજકોટમાં TRP ગેમ ઝોનના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 લોકોના પરિવારને ન્યાય માટે રાજકોટ કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન પર હતા. આજે છેલ્લા દિવસે જીજ્ઞેશ મેવાણી, ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, લાલજી દેસાઈ અને પાલ આંબલિયાને પીડિતોના પરિવાર દ્વારા પારણાં કરાવવામાં આવ્યા હતા. આ તકે મૃતક આશા કાથડના બહેન સંતોષ મેવાણીને પારણા કરાવતા રડી પડ્યા હતા અને કહ્યુ હતુ કે હું તમને ભાઈ માનું છું અને મને તમારી પાસે ન્યાયની અપેક્ષા છે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આવતીકાલે 25 જૂને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે માત્ર સાગઠીયાને પકડવાથી કાંઇ નહી થાય પણ તેના બોસને પકડો.
આવતીકાલે 25 તારીખે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે બંધના એલાન પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં પ્રેસ કોન્ફન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પરેશ ધાનાણી, વિધાનસભાના ઉપનેતા શૈલેશભાઈ પરમાર, જીગ્નેશ મેવાણી, લાલજીભાઇ દેસાઈ, પાલ આંબલિયા, જાવેદ પિરજાદા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આવતીકાલે વેપારીઓ સહિત તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને બંધમાં જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ. તેમણે કહ્યું કે જો કાલે કોઇ વેપારી પોતાની દુકાન ચાલુ રાખે તો તેને વીડિયો ઉતારી વાયરલ કરજો. આ વ્યક્તિમાં માનવતા નથી તેવું માનવું જોઇએ અને ત્યાંથી ખરીદી ના કરવી.
જિજ્ઞેશ મેવાણી
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી લગભગ 15થી 20 તાલુકામાંથી એક-બે લોકો રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારના સમર્થન માટે આવ્યા છે. આજે ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ છે. ગુજરાતની ભાજપ સરકાર કે પોલીસ મને નથી લાગતું કે અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા માંગતી હોય. અખબારો અને મીડિયા રિપોર્ટસના આધારે એવું દેખાઈ રહ્યું છે કે કેટલા બધા લોકો અગ્નિકાંડમાં ભીનું સંકેલવામાં લાગ્યા છે એટલા માટે જ કહીએ છીએ કે આ SIT ભીનું સંકેલો સમિતિ છે.
શક્તિસિંહે રાજકોટ પોલીસ સામે ગંભીર આરોપ
શક્તિસિંહે કહ્યું કે કાલે અપાયેલા બંધના એલાનને અલગ અલગ વેપારી મંડળે સમર્થન જાહેર કર્યું છે. શક્તિસિંહે રાજકોટ પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે એક બાજુ TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી અને બીજી બાજુ જુગારધામમાં કરોડો વહીવટ કરતી પોલીસ TRP ગેમ ઝોનની તપાસ કરી રહી છે. સાગઠિયા તો માત્ર મહોરું છે, તેની પાછળના મોટા માથાના નામો ક્યારે આવશે ત્યારે સાચી તપાસ કરી હોવાનું ગણવામાં આવશે.