Gujarat Rain: રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ઘોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો છે. તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 78 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.
હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે વહેલી સવારથી અમદાવાદ , વડોદરા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો છે જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જ વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગઈકાલે અરબ સાગરના કેટલાક અન્ય ભાગમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડ તરફ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.