વરસાદથી પ્રભાવિત મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ડકવર્થ લુઈસ નિયમના કારણે બાંગ્લાદેશને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો, જેના જવાબમાં ટીમ 105 રન જ બનાવી શકી. પરંતુ લિટન દાસની શાનદાર ઈનિંગ્સ છતાં બાંગ્લાદેશની હાર થઈ છે. અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ વખત સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અને અફઘાનિસ્તાન જીતતાની સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગઈ છે અને તેનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2021નો ખિતાબ જીત્યો હતો.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે મેચમાં સારી બેટિંગ કરી હતી. તે એક છેડે રહ્યો અને વિકેટ પડવા ન દીધી. પરંતુ બાકીના બેટ્સમેનો સારો દેખાવ કરી શક્યા ન હતા. માત્ર સૌમ્ય સરકાર, લિટન દાસ અને તૌહીદ હૃદયોય ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. લિટસ દાસે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તે 54 રન બનાવ્યા પછી અણનમ રહ્યો અને બાંગ્લાદેશને જીત તરફ દોરી શક્યો નહીં. અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે ચાર ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિવાય નવીન ઉલ હકે ચાર વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ગુલબદ્દીન નાયબ અને ફઝલહક ફારૂકીએ એક-એક વિકેટ લીધી હતી.
રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમે અફઘાન ટીમ માટે ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી. ગુરબાઝે 55 બોલમાં 43 રન બનાવ્યા હતા. જ્યારે ઝદરને 29 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય બેટ્સમેનો ખાસ સફળતા ન બતાવી શક્યા. અઝમતુલ્લા ઉમરઝાઈએ 10 રન બનાવ્યા હતા. કેપ્ટન રાશિદ ખાને ચોક્કસપણે ઘણા મોટા સ્ટ્રોક રમ્યા હતા અને તેના કારણે જ અફઘાન ટીમ 100 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. તેણે 10 બોલમાં 19 રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.