દિલ્હી સરકારના જળ મંત્રી આતિશીએ 5 દિવસ બાદ પોતાની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાલ ખતમ કરી દીધી છે. મંગળવારે વહેલી સવારે તેમની તબિયત બગડતાં તેમને લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે જણાવ્યું કે આતિશીનું શુગર લેવલ ઘટીને 36 થઈ ગયું છે. તે હજુ પણ LNJP હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે. તેમની બગડતી તબિયતને જોતા હડતાલ પાછી ખેંચી લેવામાં આવી હતી. દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ આ જાહેરાત કરી છે.
દિલ્હીમાં પાણીની અછતને કારણે આતિશી ભૂખ હડતાળ પર હતી. તે કેન્દ્ર અને હરિયાણા પાસે પાણીની માંગ કરી રહી હતી. મંગળવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે અને વિપક્ષી દળોની સાથે સંસદમાં દિલ્હીના જળ સંકટનો મુદ્દો પણ ઉઠાવશે. તેમજ સંજય સિંહે કહ્યું, ‘આતિશી 5 દિવસથી ભૂખ હડતાળ પર હતી. તેમની તબિયત લથડી રહી હતી. તબીબો હડતાળ તોડવા માટે કહી રહ્યા હતા. ગઈકાલે રાતથી તેમની તબિયત લથડવા લાગી હતી. તેમનું શુગર લેવલ 36 હતું. તબીબોએ તેને તાત્કાલિક દાખલ કરવાની સલાહ આપી અન્યથા તેનું મૃત્યુ થઈ શકે છે. સવારે 3:30-4 વાગ્યે તેમને LNJP ના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હજુ પણ ICUમાં છે. અમે પીએમ મોદીને દિલ્હીનું પાણી છોડવા માટે પત્ર લખી રહ્યા છીએ. આતિશીની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાલ સમાપ્ત કરવામાં આવી રહી છે, પરંતુ અમે સંસદમાં અમારો અવાજ ઉઠાવીશું.