ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે જુનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. આજે ગણેશ જાડેજાના જમીનને લઇ જૂનાગઢ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજાના જમીન નામંજૂર કર્યા છે.
અપહરણ, મારમારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતના ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેના પર બંને પક્ષોની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
આજે જુનાગઢ નામદાર કોર્ટ દ્વારા ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આ કેસ મામલે ગણેશ જાડેજાના મળતીયાઓ વિરુદ્ધ અગાઉ જે એફઆઇઆર નોંધાયેલી હતી તે વિશે સોગંદનામુ રજૂ કરી કોર્ટને માહિતગાર કરવામાં આવી હતી. તેમજ ગોંડલ વિસ્તારના લોકોમાં આ ટોળકીનો આંતક ખૂબ જ હોવાની બાબતે પણ કોર્ટને લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આરોપી ગણેશ જાડેજાના માતા હાલના ધારાસભ્ય છે અને પિતા પૂર્વ ધારાસભ્ય છે જે વગના કારણે આ કેસમાં કોઈ ખોટી ખલેલ ઊભી ન થાય તે માટે પણ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમજ આ કેસમાં જુનાગઢ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેનું સોગંદનામુ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બધી બાબતોને ધ્યાને લઈ ગણેશ જાડેજા સહિતના પાંચ આરોપીઓના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે.