રાજકોટ: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા જે ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થતો હોવાથી કોંગ્રેસ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેથી મૃતકોને ન્યાય મળે અને તેની આત્માને શાંતિ મળે તેના માટે રાજકોટના વેપારીઓને તેમણે અપીલ કરી હતી. જેના ભાગરૂપે આજે સવારથી જ રાજકોટની મુખ્ય બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસના આગેવાનો પણ લોકોને વિનંતી કરી અને બંધમાં જોડાવા માટે મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે અને કેટલાક વેપારી સંગઠનોએ આ બંધને સમર્થન પણ આપ્યું છે, તો કેટલીક ખાનગી શાળાઓ અને કોલેજો પણ સ્વયંભૂ આ બંધમાં જોડાઈ છે.
જ્યારે કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે અટકાયત કરાવામા આવી છે. કોંગ્રેસના કાર્યકરોની સાથે સાથે અગ્નિકાંડમાં મૃતક આશાબેન કાથડના ભાઈ કમલેશભાઈની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી છે. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ ગુંડાગીરી કરી રહી છે.
રાજકોટ નાના મવા રોડ જ્યાં આ ઘટના બની હતી ત્યાં દુકાનો ખુલી હોવાથી જીગેશ મેવાની, લાલજીભાઈ દેસાઇ સહિતના આગેવન બંધ અપીલ કરવા પોહચ્યાં હતા અને વેપારીઓને વિનંતીસભર બંધમાં સમર્થન આપવા અનુરોધ કર્યો હતો. તેમજ કોંગ્રેસના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મૃતકોને શ્રદ્ધાંજલિ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. શક્તિસિંહ ઉમેર્યું હતું કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં જોડાવવા બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.