મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે એટલે કે 25મી જૂન પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સિઝનનો અત્યાર સુધીમાં 4.82 ટકા વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના માતરમાં 4.64 ઇંચ, પંચમહાલના કલોલમાં 3.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે મહેમદાબાદમાં 3.36 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ માણસા, લાલપુર અને ધંધુકામાં બે ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયોછે. તેમજ ડાંગ, નડિયાદ, ડભોઇ, બાયડ, વીરપુર, જાંબુધોડા, નાંદોદ, હાલોલ, નેત્રંગ, વિરમગામ, અમદાવાદ, આણંદ, બોટાદ, ચોટિલા, ઉમરેઠ, બાવળા, ખેડબ્રહ્મા, કરજણ, ઘોઘંબા, સંખેડા, ભાણવડ, વલસાડ, નખત્રાણા, દેહગામ, વ્યારા, વઘઇ, કલ્યાણપુર, વાલોડ, ખેડા,ઓલપાડમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે , મંગળવારે બનાસકાંઠા, સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, દામણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.
સોમવારે હાલાર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. બીજી બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. પરિણામે ગોમતિઘાટ પર આભને આંબતા મોજા ઉછળ્યા હતા. દરિયો ગાંડોતૂર થતા પોલીસ દ્વારા પણ પહેરો દોઠવી દેવામાં આવ્યો હતો અને યાત્રિકોને દરિયામાં નહાવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી. આમ દરિયો તોફાને ચડતા ડરામણા દ્ર્શ્યો સર્જાયા હતા. તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ ગરમી અને બફારામાંથી આંશિક રાહત મેળવી છે.