Rajkot Game Zone Fire: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા.25-05-2024 ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. કેટલીક બજારોના વેપારીઓએ મૃતાત્માઓની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખશે.
25 મે 2024 ને શનિવાર હતો. શનિવારની એ સાંજ અને એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો હતો. તંત્રની બેદરકારીના કારણે 3-3 વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં એકાએક આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને 27 લોકો જીવતા ભડથું થઈ ગયા. રાજકોટના નાના નવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને આજે એક મહિનો થયો છે છતાં હજુ આ આગની જ્વાળાઓ સરકાર સહિત અધિકારીઓને દઝાડી રહી છે.
તેમજ બીજી બાજુ આ આગ આજે પણ મૃતકોના પરિવારોના હ્રદયમાં સળગતી જોવા મળી રહી છે અને એક મહિને પણ પરિવારોના આંસુ સુકાતા નથી. આ અગ્નિકાંડમાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન, કોઈએ દીકરો તો કોઈએ દીકરી, કોઈએ પતિ તો કોઈએ પિતા ગુમાવ્યા છે. તેમજ એક તો દંપતી જ અનંત યાત્રાએ ઉપડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડના વિરોધમાં આજે રાજકોટ બંધ પાળી રહ્યું છે.