દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે. જે ત્રીજી એનડીએ સરકાર બન્યા બાદ તેમનું પ્રથમ સંબોધન હશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પછી, સંસદના બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેના પર સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું છે જ્યારે રાજ્યસભાનું સત્ર આજથી શરૂ થશે.
મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરશે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા કથિત દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા બાદ સીબીઆઈએ ઔપચારિક રીતે કોર્ટ પરિસરમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડનો મેમો વેકેશન બેંચના સ્પેશિયલ જજ અમિતાભ રાવતને સોંપ્યો હતો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટેનું કારણ જણાવવામાં આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી દારૂ નીતિને મંજૂરી આપી હતી.