ગુજરાતમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ અને હાલાકીઓ બાબતે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે તેમજ એક પછી એક એવા અનેક દાખલાઓ સામે આવી રહ્યા છે કે ખુદ પાર્ટીના ધારા સભ્યોનું કદાચ સરકારી બાબુઓ સાંભળતા નથી અને તેથીજ આ સરકારી બાબુઓની સામે પ્રજાને પડતી મુશ્કેલીઓ દુર કરવા સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે ત્યારે આવીજ એક ઘટના ને કારણે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે
રાજ્યમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો પ્રજાને પડતી મુશ્કેલીઓ સરકાર સમક્ષ હવે સોશિયલ મીડિયા દ્વારા ઉઠાવે છે ત્યારે ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. સામાન્ય રીતે સંસદસભ્ય લોકોના પ્રશ્નો અને તેમના અવાજને ઉઠાવવા માટે તેમજ લોકોને સુખ-સુવિધાઓ પૂરી પાડવા માટે બનતા હોય છે, પરંતુ ભરૂચના સાંસદનો અવાજ સોશિયલ મીડિયા થકી ઊઠતો થયો એવું અહીં જોવા મળી રહ્યું છે.
તેમજ લોકો સાંસદને રજૂઆત કરે કે કંઈક કામ વહેલું થાય અને સમસ્યાઓનું નિરાકરણ વહેલું આવે, પરંતુ સાંસદને લોકોનાં કામ કરાવવામાં પણ રાજકારણ વચ્ચે લાવવું પડતું હોય એવી સ્થિતિ ખુદ તેમની જ પોસ્ટ પરથી કહી શકાય એમ છે સરકારી વહીવટી તંત્રનું ધ્યાન દોરવા મનસુખ વસાવા પાસે ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં જ પોસ્ટ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી એવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે. એક સાંસદ તરીકે જ્યાં એક ફોન કોલ પર પ્રજાની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ ત્યાં તો ભરૂચના સાંસદ જાણે કે તેમની વાત અધિકારીઓ માનતા જ ન હોય એવી પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા થકી અધિકારીઓને આદેશ આપવા મજબૂર બન્યા હોય એવું દેખાઈ રહ્યું છે.
તેમણે પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ડેડિયાપાડાના મોરજરી ગામની બગલા ખાડીના રસ્તાનું ધોવાણ છેલ્લા કેટલાક સમયથી થયું છે, જેને પગલે સ્થાનિક લોકોને આ સ્થળેથી અવરજવર કરવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે રસ્તાના ધોવાણના કારણે નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાણીની પાઇપલાઈન તૂટી ગયેલી હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. એને પગલે સંબંધિત અધિકારીઓ આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવે એવી માગ તેમણે કરી હતી.