રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. તેમજ મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. તેમજ અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી.
તેમજ બીજી તરફ ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. એ જ સાથે સવારના 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.આ સાથે તેમણે ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.
તેમજ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે બનાસકાંઠા,નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.