દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-1 પર છત તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે કેટલાય ઘાયલ હોવાનું કહેવાય છે. અગ્નિશમન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છત ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટના ટર્મિનલ-1 પર સવારે લગભગ 5.30 વાગ્યે છત તૂટી પડવાની માહિતી મળી હતી. ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ વન પર થયેલા અકસ્માતની તપાસ માટે એક ટીમની રચના કરી છે. આ ટીમ અકસ્માતની તપાસ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પોતે આજે સવારે થયેલા અકસ્માત પર નજર રાખી રહ્યા છે. છત ધરાશાયી થવાને કારણે કેટલીક કારોને પણ નુકસાન થયું છે. જે વીડિયો સામે આવ્યો છે તેને જોતા લાગે છે કે છત પડી જવાને કારણે કાર સપાટ થઈ ગઈ છે.
સુત્રોની માહિતી પ્રમાણે આજે સવારે લગભગ 5 વાગ્યે, IGIA (ડોમેસ્ટિક એરપોર્ટ)ના ટર્મિનલ 1ની બહાર ડિપાર્ચર ગેટ નંબર 1 થી ગેટ નંબર 2 સુધીનો શેડ ધરાશાયી થયો હતો. જેમાં 4 જેટલા વાહનોને નુકસાન થયું હતું અને 6 જેટલા લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. ઘાયલ થયેલા તમામ લોકોની હાલત સ્થિર છે. દિલ્હી પોલીસ, ફાયર સર્વિસ, CISF અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. તેમજ મળતી માહિતી મુજબ, એરપોર્ટ પર છત તૂટી પડતાં છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ પર ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. છત ધરાશાયી થતાં કારને નુકસાન થયું હતું. એક વ્યક્તિ કામમાં અટવાઈ ગઈ. હાલ એ સ્પષ્ટ નથી થયું કે ઘાયલો મુસાફરો છે કે એરપોર્ટ કર્મચારી.
તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહારને અસર થઈ છે જેના કારણે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તેમજ મુસાફરોને ટર્મિનલ 1 થી ટર્મિનલ 2 અને 3 પર ખસેડવામાં આવી રહ્યા છે. ટર્મિનલ 1 પરથી ઉપડતી ફ્લાઈટ્સ આજે બપોરે 2 વાગ્યા સુધી રદ કરવામાં આવી હતી. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના જણાવ્યા અનુસાર, ટર્મિનલ 3 અને ટર્મિનલ 2 પરથી તમામ પ્રસ્થાન અને આગમનની ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે કાર્યરત છે.