મળતી માહિતી પ્રમાણે ભારતે ઈંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપની ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. ભારતની અંતિમ મેચ દક્ષિણ આફ્રિકા સામે થવાની છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનમાં યોજાવાની છે. વેસ્ટ ઈન્ડિઝમાં લગભગ દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે T20 વર્લ્ડ કપની ઘણી મેચો રદ્દ કરવામાં આવી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.
ક્રિકેટ ચાહકોની નજર હવે બાર્બાડોસ પર ટકેલી છે, જ્યાં એક દિવસ પછી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબની લડાઈ થવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાર્બાડોસમાં શનિવારે પણ વરસાદની સંભાવના છે. આ સંભાવના વધીને 78% થઈ ગઈ છે, જ્યારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હા, ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે શનિવારે મેચ નહીં રમાય તો રવિવારે રમાશે. ICCએ આ મેચ માટે 3 કલાક 10 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે.
જો શનિવાર અને રવિવાર બંને દિવસે ભારે વરસાદ પડે છે અને મેચ રદ થાય છે, તો ટ્રોફી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વહેંચવામાં આવશે. એટલે કે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.