મળતી માહિતી પ્રમાણે અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓનાં મોત થયાં છે. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આજે સવારે પાંચ વાગ્યે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા. ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી. જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
તેમજ હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની વિગત સામે આવી રહી છે.