અમદાવાદમાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રવિવારે 30મી જુન ગોતા-સાયન્સ સિટી બોપલમાં 7 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સરેરાશ વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં બેસી ગયો છે. અનેક વિસ્તારે પાણીમાં ગરકાવ થઈ ગયા એને જમીનની અંદર એક ગામ વસી શકે તેવા મસમોટા ભૂવા પણ પડ્યા હતા.
રવિવારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે સુરત, ભુજ, વાપી, ભરૂચ અને અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને અસર થઈ હતી. સવારે 6 થી સાંજે 4 વાગ્યાની વચ્ચે અમદાવાદ શહેરમાં 62 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
શેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ ઓ 7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો હતો. જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો. તેમજ આ મોટા ભૂવો જ તંત્ર દ્વારા કામગીરીમાં કેટલી કુચાશ રાખવામાં આવી હશે તેનો બોલતો પુરાવો હતો. તેમજ ગાંધીનગરમાં રોડ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને મેઘરાજાએ પહેલા વરસાદમાં જ ખુલ્લો પાડી દીધો છે. સેક્ટર-3માં પહેલા વરસાદમાં જ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જે દર્શાવે છે કે રોડના કામમાં અધિકારીઓએ કેટલો ભ્રષ્ટચાર કર્યો છે. સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ કર્યો હતો.