અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સીની બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે 25 લાખ રૂપિયામાં સલમાન ખાનની સોપારી લીધી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સુપરસ્ટારની હત્યા કરવા માટે 18 વર્ષથી નીચેના છોકરાઓને તૈયાર કર્યા હતા. આ શૂટર્સ આગળના પગલા માટે ગોલ્ડી બ્રાર અને અમનોલ બિશ્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હતા, આ વાતનો ખુલાસો પોલીસે તેમની ચાર્જશીટમાં કર્યો છે. નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના પાંચ ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ 350 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ તમામ ખુલાસાઓ આ ચાર્જશીટમાં કરવામાં આવ્યા છે.
પોલીસે ચાર્જશીટમાં કહ્યું છે કે સલમાનની હત્યાના આરોપીઓ પાકિસ્તાનમાંથી આધુનિક હથિયારો AK 47, AK 92 અને M16 ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા અને તુર્કી બનાવટના ઝિગાના હથિયારો પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ આ હથિયારોનો ઉપયોગ કરીને બોલિવૂડ એક્ટરને મારવાની યોજના બનાવી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ચાર્જશીટમાં કહ્યું છે કે સલમાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023 થી એપ્રિલ 2024 વચ્ચે રચવામાં આવ્યું હતું.
લગભગ 60 થી 70 લોકો સલમાન ખાનની દરેક હરકતો પર નજર રાખી રહ્યા હતા. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે તે બધા સલમાન ખાનના મુંબઈના ઘર, પનવેલ ફાર્મ હાઉસ અને ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તેની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા. પોલીસનું કહેવું છે કે તમામ શૂટર્સ ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હતા કે તેઓને આદેશ મળતા જ તેઓ પાકિસ્તાની હથિયારોથી સલમાન ખાન પર હુમલો કરશે. તમામ શૂટર્સ પુણે, રાયગઢ, નવી મુંબઈ, થાણે અને ગુજરાતમાં છુપાયેલા હોવાની માહિતી સામે આવી છે.
14 એપ્રિલે સવારે અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાને લઈને આખું બોલિવૂડ ફરી એકવાર સ્તબ્ધ થઈ ગયું હતું. મુંબઈમાં અંડરવર્લ્ડનો અંત આવ્યા બાદ બોલિવૂડએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક વધી ગયો છે. કાળા હરણનો શિકાર કરવા બદલ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનથી નારાજ છે અને તેને પાઠ ભણાવવા માંગે છે.