દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને નોટિસ જારી કરી છે. કેજરીવાલે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તેમની ધરપકડને પડકારી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી. કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવીને 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
આજે પણ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ ફટકારી છે. કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. સીબીઆઈએ 7 દિવસમાં દિલ્હી હાઈકોર્ટમાં જવાબ આપવાનો રહેશે. ત્યાર બાદ 2 દિવસમાં જવાબ દાખલ કરવાનો રહેશે. કેજરીવાલની અરજી પર હવે 17 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
સીબીઆઈ દ્વારા ધરપકડ અને રિમાન્ડના આદેશને પડકારતી કેજરીવાલની અરજીની સુનાવણી દરમિયાન દિલ્હીના સીએમના એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, “સૌથી પહેલા તો ધરપકડની શું જરૂર છે? સીબીઆઈ દ્વારા કેજરીવાલની જૂનમાં ધરપકડ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.” સીબીઆઈની એફઆઈઆર ઓગસ્ટ 2022ની છે. સીબીઆઈએ એપ્રિલ 2023માં કેજરીવાલને બોલાવ્યા અને નવ કલાક સુધી તેમની પૂછપરછ કરી, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.
સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, “વર્ષ 2022ની એફઆઈઆરની પૂછપરછ એપ્રિલ 2023માં કરવામાં આવી હતી અને હવે જૂન 2024માં ધરપકડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ધરપકડ માટે કોઈ તાકીદ કે આવશ્યકતા હોઈ શકે નહીં. એજન્સી પાસે કોઈ કારણ હોવું જોઈએ અથવા સિંઘવીએ દલીલ કરી હતી કે, કેજરીવાલ પહેલાથી જ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા.
તેના પર કોર્ટે કહ્યું કે તમે ધરપકડ રદ કરવાની અને કસ્ટડીમાંથી મુક્ત કરવાની માંગ કરી રહ્યા છો. સિંઘવીએ હકારમાં જવાબ આપતાં કોર્ટે પૂછ્યું કે શું કેજરીવાલે જામીન અરજી દાખલ કરી છે? આના પર સિંઘવીએ કહ્યું, “હવે નહીં, પરંતુ અમે ફાઇલ કરવાના હકદાર છીએ. હું તમને અનૌપચારિક રીતે કહી શકું છું કે અમે જામીન માટે અરજી કરવા જઈ રહ્યા છીએ, પરંતુ હજી સુધી કંઈ દાખલ કરવામાં આવ્યું નથી. કોર્ટે કેજરીવાલની અરજી પર નોટિસ જારી કરી અને સીબીઆઈને નિર્દેશ આપ્યો. હવે આ કેસની આગામી સુનાવણી 17 જુલાઈએ થશે.