રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો 4:30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા આવવાના છે. આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા છે. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ દ્વારા કાર્યાલયથી પાલડી ચાર રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે, ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગદીલ બન્યું છે. બન્ને પક્ષે પથ્થર દંડા સામસામે ફેંકવામાં આવ્યા છે.
તેમજ કાચની બોટલો પણ ફેંકાઈ છે. પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. જેને 108 મારફત હોસ્પિટલ ખસેડાયો છે. ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા સાથે પથ્થરમારો શરૂ કર્યો હતો. હાલ વાતાવરણ તંગ બની ગયું છે અને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું છે. રાહુલ ગાંધીના હિંસક હિન્દુઓના નિવેદનને લઈને અમદાવાદમાં GPCC ઓફિસ બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયુપં છે. કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આમને સામને આવી જતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
પોલીસે આ મામલે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. કોંગ્રેસના પ્રગતિ આહીર સાથે પણ પોલીસની ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ભાજપે પડકાર ઝીલી કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ મચાવી હતી.
અમદાવાદમાં આશ્રમ રોડ પર જ હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની હાજરીમાં જ ધમાલ થતાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા હતા. ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.