દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છવાયું છે. છેલ્લા બે દિવસથી સુરત સહિતના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થતા સણીયા હેમાદ ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. વરસાદમાં વર્ષોથી આવો માહોલ જોવા મળે છે. જેના કારણે સામાન્ય માણસોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ સાથે સુરત શહેરની ખાડીઓ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે. માંડવી, કામરેજ, પલસાણા, કડોદ સહિતના ગામોના પાણી પણ હવે સીધા ખાડીમાં આવવાના શરૂ થતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. સુરતના પૂર્ણ કુંભારિયા વિસ્તાર ખાડીની લગોલગ આવેલો છે. ખાડીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કુંભારીયા ગામના પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
નોંધનીય છે કે, મધ્યરાત્રીથી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે મહુવા તાલુકામાં ખાસ કરીને સાતથી સડા સાત ઇંચ જેટલો વરસાદ ખબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ મહુવા તાલુકાના બોરીયા ખાતે આવેલા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બોરીયા પ્રાથમિક શાળાની અંદર ધોધમાર વરસાદને પગલે શાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.