મંગળવારે યુપીના હાથરસમાં ભોલે બાબા ઉર્ફે સૂરજપાલના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. થોડી જ વારમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા. પોલીસ હવે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબને શોધવામાં વ્યસ્ત છે. દરમિયાન હાથરસની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
તેમજ આ પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત હાથરસ ઘટના પર યુપીની યોગી સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટની પણ માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ પીઆઈએલ દાખલ કરી છે. તેમની પીઆઈએલમાં, તેમણે હાથરસ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. તેમજ પીઆઈએલમાં આવા કાર્યક્રમોના આયોજન માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરવામાં આવી છે.
તેમજ હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર ક્યારે સુનાવણી કરવા તૈયાર થાય છે. એવી અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર આજે અથવા કાલે સુનાવણી કરશે. તેમજ આ સાથે જ હાથરસ નાસભાગની ઘટનાનો મામલો પણ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં હાથરસ ઘટનાની સીબીઆઈ અથવા ન્યાયિક તપાસ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.