દેશની આર્થિક રાજધાની મુંબઈ આ દિવસોમાં ભારે વરસાદના સંકટનો સામનો કરી રહ્યું છે. મુંબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ ભારે વરસાદને કારણે મુંબઈ તરફની ટ્રેનો અને પરિવહનને પણ અસર થઈ છે.
મુંબઈ રેલવે તરફથી વરસાદને પગલે નિવેદન જાહેર કરવામાં આવ્યું. મુંબઈ ડિવિઝનની અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. રદ કરાયેલી ટ્રેનોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં લગભગ પાંચ જેટલી ટ્રેનનો સમાવેશ થતો હતો. મોટાભાગની પૂણે-મુંબઈ રૂટ પર ચાલતી ટ્રેનો તેમાં સામેલ છે. આ સાથે ભારે વરસાદને કારણે બસોની અવર-જવરને પણ અસર થઇ. અનેક બસના રુટ બદલવાની ફરજ પડી હતી. જ્યારે ઉપ નગરીય અને હાર્બર લાઈન પર ભારે વરસાદથી પાણી ભરાઈ જવાથી રેલવેની અવર-જવરને માઠી અસર થઈ. વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, કુર્લા વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. એકાએક વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મુંબઈકરો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
ખરેખર મુંબઈમાં ગત રાતે 1 વાગ્યે વરસાદ તૂટી પડ્યો હતો અને 6 જ કલાકના ગાળામાં 300 મિમી એટલે કે 11થી 12 ઈંચ જેટલ વરસાદ પડતાં દરેક જગ્યાએ પાણી પાણી કરી નાખ્યું હતું. બીએમસીના જણાવ્યાનુસાર નીચાણ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીએમસીએ તેના હસ્તક આવતી તમામ બીએમસી, સરકારી અને ખાનગી સ્કૂલો તથા કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજાઓની જાહેરાત કરી દીધી હતી.