જૂનાગઢ સાંસદના વિવાદિત નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું હોય તેમ લાગી રહ્યું છે. સુત્રાપાડાના પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલા નિવેદન બાદ કોંગ્રેસ નેતા પુંજા વંશ મેદાને આવ્યા છે અને ભાજપના સંસાધનોને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું કે, ‘સાંસદ પ્રજાનાં પ્રતિનિધિ નહિં પાર્ટીનાં પ્રતિનિધિ છે. કોંગ્રેસને કહેતા હોય તો અમે હિસાબ કરવા તૈયાર છીએ.
જૂનાગઢ સાંસદના રાજેશ ચુડાસમાએ તાજેતરમાં સુત્રાપાડાના પ્રાચી ખાતે યોજાયેલ આભાર દર્શન કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે તેને હું મુકવાનો નથી.’ તેમના આ નિવેદન બાદ વિવાદ ખૂબ વકર્યો છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ મેદાને આવ્યા છે અને BJP ના સંસદોનોને ખુલ્લી ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે, સાંસદ જાહેરમાં ધમકીભર્યા શબ્દોમાં બોલ્યા હતા કે ‘મને જે નડ્યા છે એમને હું છોડીશ નહિં…’ તેમણે આગળ કહ્યું કે, સાંસદ પ્રજાના પ્રતિનિધિ નહિં પણ પાર્ટીના પ્રતિનિધિ છે.
પુંજા વંશે આગળ કહ્યું કે, કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય અને તેને ધ્યાનમાં રાખીને કોઈ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનાર દિવસોની અંદર અમને પણ પૂરેપૂરો હિસાબ કરતા આવડે છે. હિસાબ કરવો હોય તો જ્યાં કહો ત્યાં આવવા તૈયાર છીએ. સમય અને સ્થળ નક્કી કરી કહો સામે બેસવા તૈયાર છીએ. કોણ ક્યાં છે ? તેનો વાસ્તવિક હિસાબ કરવા તૈયાર છું. માહિતી મુજબ, સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે હીરાભાઈ જોટવાના ઋણ સ્વીકાર અને આભાર વિધિ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પુંજા વંશએ આ નિવેદન આપ્યું હતું. આ સાથે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક્ય યુદ્ધ છેડાયું હોય તેમ લાગી રહ્યું છે.