શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીના હિન્દુ નિવેદનનું સમર્થન કર્યું છે. રાહુલ ગાંધીએ સંસદ સત્ર દરમિયાન હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું. જેનો ભાજપ અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો.
18મી લોકસભાના પહેલા સત્રમાં રાહુલ ગાંધી દ્વારા ભગવાન શિવનો ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને તે પછી થયેલા વિવાદથી તમે બધા વાકેફ છો. રાહુલ ગાંધીના ‘અભય મુદ્રા’ના નિવેદન બાદ પીએમ મોદીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને ભાજપ આખો હિન્દુ સમાજ નથી. હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે રાહુલ ગાંધી ક્યાંય હિન્દુ ધર્મ વિરુદ્ધ વાત નથી કરી રહ્યા. રાહુલ ગાંધીના નિવેદનનો અડધો ભાગ ફેલાવવો એ ગુનો છે. જે આવું કરે છે તેને સજા થવી જોઈએ.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ 1 મિનિટના વિડિયોને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે, “અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય પણ હિંદુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા નથી. રાહુલ ગાંધીના સંપૂર્ણ નિવેદનમાંથી અડધા નિવેદનનો ભાગ ફેલાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર ગુનો છે. અને આવુ કરનારને સજા થવી જોઈએ.”
અગાઉ શંકરાચાર્યોએ અલગ-અલગ કારણો દર્શાવીને રામ મંદિરનું ઉદ્ઘાટન ટાળવા કહ્યું હતું. જો કે પછીથી શંકરાચાર્યોએ પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન પણ આપ્યું છે. આ પહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, મંદિર હજુ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયું નથી અને તે પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. અધૂરામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે.