હાલ ગુજરાતના રાજકારણમાં મોટું પરિવર્તન આવી શકે છે કોળી સમાજના આગેવાન અને છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી સક્રિય રાજકારણમાં રહેલા કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી માગ ઉઠી છે. વાત માત્ર લોકમુખે નથી થઈ. પરંતુ છેક દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દેવામાં આવ્યો છે. પત્ર લખનારા ભૂપતભાઈ ડાભી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ માંધાતા ગ્રુપના સ્થાપક છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel) મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કોળી સમાજને મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની દિલ્હી સુધી રજુઆત કરી છે.
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યકક્ષ ભુપત એમ. ડાભી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા રજૂઆત કરવામા આવી છે. તેમણે પત્રમા લખ્યું છે કે, લોકસભા સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ગુજરાતનાં ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજ દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. તેમજ કુંવરજી બાવળિયાએ તાજેતરમાં દિલ્હીની મુલાકાત લીધી હતી તે સૂચક ગણાઈ રહી છે. ત્યારે કોળી સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં લેવામા આવે છે કે નહીં તે જોવું રહ્યું…
કુવરજી બાવળીયા પહેલા કોંગ્રેસમાં હતા. વર્ષ 1995થી લઈને અલગ અલગ વિધાનસભાની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં કુંવરજી બાવળિયાનો દબદબો જોવા મળ્યો છે.બાવળિયા વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટના સાંસદ તરીકે પણ ચૂંટાયા તા. તેમજ વર્ષ 2017ની ચૂંટણીમાં કુવરજી બાવળીયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા પરંતુ તેમને વર્ષ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2022ની ચૂંટણીમાં બાવળિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતા તેઓ જંગી બહુમતીથી વિજય બન્યા છે. ત્યારે તેમને કેબિનેટ પ્રધાનનું પદ સોંપાયું હતું. કુવરજી બાવળીયા સૌરાષ્ટ્ર ભરના કોળી સમાજમાં આગવું પ્રભુત્વ ધરાવે છે.
મહત્વનું છે કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં જુથવાદ જોવા મળ્યો હતો. ભાજપમા અંદરો અંદર ચાલી રહેલ વિખવાદને લઈ પાર્ટીની છબી ખરડાવા પામી છે. ભાજપના ભરતી મેળાને લઈને મુળ ભાજપના કાર્યકરોમાં નારાજગી છે કેમકે જે લોકો વર્ષોથી ભાજપમા રહીને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે તેમની જગ્યાએ જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હોય તેમને પદ આપવામા આવે છે. ત્યારે કુવરજી બાવળીયા પણ મુળ કોંગ્રેસી છે ત્યારે જો તેમને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામા આવે તો કદાચ વિરોધનો સુર ફરીથી ઉઠી શકે છે ત્યારે હવે ભાજપ પાર્ટી દ્વારા શું નિર્ણય લેવામા આવે છે તે તો સમય જ બતાવશે.