અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ આજે વરસાદની શરૂઆત થઇ ગઇ છે તેમજ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. આ સાથે શહેરના ન્યુ રાણીપ, જગતપુરમ, ચાંદખેડા , પાલડી , SG હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયાં છે. તો બીજી તરફ નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે તેમજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પર જોવા મળી રહી છે આ સાથે ભારે વરસાદને પગલે શહેરના રોડરસ્તા પર ટ્રાફિકની સમસ્યા પર સર્જાઇ હતી. તેમજ ભારે વરસાદથી શહેરના મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નરોડામાં નવયુગ ચાર રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. તેમજ નરોડાના દહેગામ રોડ પર પણ પાણી ભરાયા છે.
શહેરના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.તેમજ પાલડીમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કાળાં વાદળો છવાતા વાતાવરણમાં અંધારપટ જોવા મળી રહ્યો છે. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકોએ પોતાનાં વાહનોની હે઼ડ લાઈટ ચાલુ રાખવા ફરજ પ઼ડી છે. પાલડીમાં ધીમી ધારે વરસ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલડી, એલિસબ્રિજ, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે વાડજ, ઉસ્માનપુરા, સુભાષ બ્રિજ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદના એસ.જી. હાઈવે, ગોતા વિસ્તારમાં વરસાદ અંધાર્યો છે. ઠંડો પવન પણ ફૂંકાઇ રહ્યો છે.