Gujarat Rain: ગુજરાત પર હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે.આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સુરતના ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે બે કલાકમાં 4 ઇંચ અને 14 ઈંચ વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી તેમજ ઘણા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. 10 માર્ગનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. ઉમરપાડા તાલુકામાં સિઝનનો કુલ ૪૦ ઈચ વરસાદ વરસી ગયો છે. તેમજ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. જિલ્લાના ડીસા, થરાદ, ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ વડોદરામાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. સાથે સાથે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતનાં પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી આજે ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતના આઠ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. 10 જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. .
રાજયમાં છોટા ઉદેપુરમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. તેમજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ,આણંદ અને દાહોદમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની એન્ટ્રી
આ સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા. ખાસ કરીને શાળાએથી છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધુ હોવાને પગલે અંડર પાસવાળા એરિયામાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. કાલે બપોરથી શરુ થયેલા વરસાદને પગલે શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વની સાથે સાથે પશ્વિમ અમદાવાદના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતા.