Gujarat Rain: હવામાન વિભાગ (IMD) દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગરુવારે (18 જુલાઈ) ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને 18 વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સહિત કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો.
પોરબંદર પર આભ નિચોવાયું હોય તેમ ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતાં પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું. મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આજે સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેને પગલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
વૃક્ષો ધરાશાયી
અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે.
લોકો પોતાના ઘરના ઘાબે
ભારે વરસાદના પગલે ઘરો અને દૂકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં તો એટલું પાણી ભરાય ગયા હતા કે લોકો પોતાના ઘરના ઘાબે જવા મજબૂર બન્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.