ગુજરાતમાં ગુરૂવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે મેઘરાજા કોઇ અલગ જ મૂડમાં દેખાય રહ્યા છે. હવામાન વિભાગે પ્રમાણે, આજે રાજ્યનાં 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે પાંચ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને બાકીના તમામ જિલ્લામાં યલો એલર્ટ આપી છે. જેનો અર્થ કે, આજે ગુજરાતનાં તમામ સ્થળો પર ક્યાંક મુશળધાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ પડશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી ત્રણ કલાકની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં ભારે, ઉત્તરગુજરાતમાં મધ્યમ તો દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પોરબંદરમાં 14 ઈંચ ખાબક્યો હતો. જેથી પોરબંદરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં રેલવે ટ્રેક પણ ધોવાયો છે. તો જામનગરના ધ્રોલમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત થયા છે. અને ભુજમાં વીજળી પડતાં એક ગાયનું મોત નિપજ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે રાજયમાં અનરાધાર વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યના 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. સવારે 10 વાગ્યા સુધીમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 27 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પાટણ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આપને જણાવીએ કે, ઓરેન્જ એલર્ટ એટલે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે યલો એલર્ટ એટલે એ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
હવામાન વિભાગે 20 જુલાઈ સુધીની આગાહી વ્યકત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે.