પોરબંદર: સૌરાષ્ટ્રમાં ગુરૂવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે સવારથી જ જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકામાં તો રાતે ભયંકર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે ત્રેણેવ જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. ક્યાંક ઘરોમાં પાણી ભરાયા છે તો ક્યાંક વાહનો પાણીમાં ડૂબી ગયા છે. જેની વ્યાપક અસર જનજીવન પર થઇ રહી છે.
પોરબંદર પર આભ ફાટ્યું હોય તેમ ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતાં પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું. મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયાં હતાં. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આજે સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેને પગલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
રાજકોટના ધોરાજી તાલુકામાં આભ ફાટ્યું હતું
રાજકોટના ધોરાજી તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોરાજીના છાડવાવદરમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્રણ કલાકમાં 14 ઈંચ વરસાદથી છાડવાવદર ગામ સંપર્ક વિહોણું થયું હતું. ભોલગામડા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો
જૂનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ-કેશોદના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વંથલી, કેશોદ,પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ નજીકનું ઓસા ગામ બેટમાં ફેરવાયુ હતું. ભાણવડના નવાગામ રોડ પર વેરાડી નદીના પાણી ફરી વળ્યા હતા.
ખંભાળિયામાં વીજળી પડી, દ્વારકાના રસ્તાઓ નદી બન્યા
દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી હતી. જેથી વ્યાપક નુકસાની થઈ છે. દ્વારકાના અનેક સ્થળોએ રસ્તાઓ નદી બન્યા છે. તો ખેતરો જળબંબાકાર થયા છે. ઘી અને સિંહણ ડેમમાં વિપુલ માત્રામાં નવા પાણી આવ્યાં છે.