Gujarat Weather Update: રાજયમાં આજે સવારથી મેધરાજા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મહેર વરસાવી રહ્યા છે ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી આપી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ જિલ્લાઓમાં આપ્યું રેડ એલર્ટ
રાજયમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
લેટેસ્ટ આગાહી પ્રમાણે
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આજથી રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, જેના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ અને સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની પડવાની આગાહી છે.