Gujarat Rain Update: સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત (Gujarat)માં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના લાઠ ગામે આભ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 11 ઈંચ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.ધોધમાર વરસાદને કારણે તલંગણા પાણી પાણી થયું છે. તલંગણામાં ઘરોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે. લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે
ધોરાજીમાં વરસાદી માહોલ જામ્યો
આજ સવારથી રાજકોટ(Rajkot)ના ધોરાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. ધોરાજીમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
કેશોદમાં પણ વરસાદી માહોલ જામ્યો
કેશોદ(Keshod)માં ધોધમાર વરસાદથી ફરી તબાહી મચી છે. વરસાદને કારણે નદીમાં પૂર આવતા પૂલમાં ગાબડા પડ્યા છે. જેને પગલે લોકોને હાલાકી પડી રહી છે. વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. શેરગઢનો રોડ આવક જાવક માટે બંધ થયો છે. ગામમાં વધુ વરસાદ પડવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડવાના કારણે ઘરમાં પાણી ઘૂસ્યા છે જેને લઈ 15 વ્યક્તિઓને શાળામાં આશરો અપાયો છે.
સવારે 8થી 10 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા વરસાદ (ઇંચ)
દેવભૂમિ દ્વારકા 4.76
જુનાગઢ 2.87
રાજકોટ 2.76
પોરબંદર 2.36
સુરત 2.09