પેરિસ ઓલિમ્પિક 2024 ગુરુવારથી શરૂ થઈ રહી છે. ફ્રાન્સની રાજધાનીમાં ખેલાડીઓ એકઠા થયા છે અને સીન નદી પર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન ફ્રાન્સની હાઈસ્પીડ રેલ્વે લાઈનો પર હુમલો કરવામાં આવ્યો છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા પેરિસમાં રેલ વ્યવહાર ભારે ખોરવાઈ ગયો છે.
ફ્રાન્સની રાષ્ટ્રીય રેલ કંપની એસએનસીએફએ શુક્રવારે જણાવ્યું હતું કે હાઈ-સ્પીડ લાઈનો પર અનેક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ હતી. જેના કારણે હાઈ રિસ્ક ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહના દિવસે રેલવે ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વે ટ્રેકને ભારે નુકસાન થયું છે. પાટા પર આગ લગાવવામાં આવી છે. આ ઘટનાઓને કારણે રેલવે લાઈનોના સમારકામમાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. અધિકારીઓએ વધુમાં કહ્યું કે આનાથી રેલ ટ્રાફિક પર ખૂબ જ ગંભીર પરિણામો આવશે.
SNCF એ જાહેરાત કરી હતી કે ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેલ લાઇનને અસર થઈ છે. પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના થોડા કલાકો પહેલા જ બનેલી ઘટનાઓની ફ્રેન્ચ અધિકારીઓએ નિંદા કરી હતી. એસએનસીએફના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયર ફેરાન્ડૌએ જણાવ્યું હતું કે આ ઘટનાથી ફ્રાન્સમાં 800,000 મુસાફરોને અસર થઈ હતી. મુસાફરો અલગ-અલગ સ્ટેશનો પર ફસાયેલા છે. જો કે, આ ઘટનાઓ ઓલિમ્પિક ગેમ્સ સાથે જોડાયેલી હોવાના કોઈ તાત્કાલિક સંકેત મળ્યા નથી. પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદઘાટન સમારોહને લગભગ 6 લાખ દર્શકો નિહાળશે તેવી અપેક્ષા છે. ઓપનિંગ સેરેમની માટે 2,22,000 ફ્રી ટિકિટ રાખવામાં આવી છે, જ્યારે 1,04,000 પેઇડ ટિકિટ રાખવામાં આવી છે.