Gujarat Rain: રાજ્યમાં મેધરાજાએ મહેર મુકી છે. જેને લઇ મોટા ભાગના જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તમામ જીલ્લામાં 1 થી 2.4 ઇંચ સુધીનો વરસાદ વરસતા પડતા શહેરોના માર્ગો પાણીથી ભરાઇ ગયા હતા. જેને લઇ લોકોના કામધંધા અટવાયા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ તાપીના ઉચ્છલ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે 12 તાલુકામાં 1 ઈંચની વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે 85 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. એને લઇને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.