સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત શાનદાર રહી છે. BSE સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 397.41 પોઈન્ટના વધારા સાથે 81,730.13 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE નિફ્ટી 125.70 પોઈન્ટ વધીને 24,960.55 પોઈન્ટ પર પહોંચ્યો છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટી 25 હજારના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે છે. જો આ લેવલ તૂટશે તો 25,400નું લેવલ જોવા મળશે. શેરની વાત કરીએ તો NTPC, IndusInd Bank, ICICI બેંક, SBI, Infosys, Reliance વગેરેમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.
સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. ટાઇટન, ભારતી એરટેલ, ITC અને ટેક મહિન્દ્રાના શેર ખોટમાં હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ વધ્યા હતા. શુક્રવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા.
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.35 ટકા વધીને US$81.41 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) શુક્રવારે મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. 2,546.38 કરોડના શેરની ખરીદી કરી હતી.