Wayanad landslide: કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે.
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની વધારાની ટીમ વાયનાડ જઈ રહી છે. વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગ – રાષ્ટ્રીય આરોગ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કર્યા છે.
એરફોર્સના બે હેલિકોપ્ટર રવાના થયા
વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી રવાના થયા છે. બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. કેરળમાં વ્યથિરી, કાલાપટ્ટા, મેપ્પડી અને માનંતવડી હોસ્પિટલ સહિતની તમામ હોસ્પિટલો તૈયાર છે. તમામ આરોગ્ય કર્મચારીઓ રાત્રે સેવા માટે આવી પહોંચ્યા હતા. વાયનાડમાં આરોગ્ય કર્મચારીઓની વધુ ટીમો તૈનાત કરવામાં આવશે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે.