ગુજરાતમાં ચોમાસાના વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ગઈકાલે મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે પણ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોન સર્ક્યુલેશન, શીયર ઝોન અને ઓફશોર ટ્રફ ગુજરાત ઉપર સક્રિય છે. પરિણામે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની સ્થિતિ રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ થયો છે. મહેસાણામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ વરસાદ નોંધાયો છે. 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઊંઝા અને વાપીમાં 3 ઈંચ વરસાદ, રાજ્યના 24 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ, 70 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.