Gujarat Weather Update: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેથી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓ અને દક્ષિણના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે; જ્યારે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાહત કમિશનરે રાજ્યમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો
રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત કમિશનરે જણાવ્યું હતું. રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, SSNNL, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.