Bangladesh Army Chief: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શેખ હસીનાએ પણ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું છે કે દેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવશે અને અત્યારે દેશનું સંચાલન વચગાળાની સરકાર કરશે. આ સિવાય બાંગ્લાદેશના આર્મી ચીફે પણ માહિતી આપી છે કે દેશમાં ક્યારે સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
મળતી માહિતી પ્રમાણે બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું છે કે દેશમાં ઈમરજન્સી કે કર્ફ્યુ લગાવવાની કોઈ જરૂર નથી. આર્મી ચીફે એમ પણ કહ્યું છે કે આજે એટલે કે સોમવાર રાત સુધીમાં સમગ્ર સમસ્યાનો ઉકેલ આવી જશે. આર્મી ચીફે તમામ વિદ્યાર્થીઓને શાંત રહેવા અને પોતાના ઘરે પરત ફરવાની અપીલ કરી છે.તેમજ બાંગ્લાદેશના આર્મી ચીફે માહિતી આપી છે કે દેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. બાંગ્લાદેશમાં હવે વચગાળાની સરકાર હશે. આર્મી ચીફે કહ્યું છે કે સેના સાથેની ચર્ચામાં મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા.
બાંગ્લાદેશમાં દેશના જુદા જુદા ભાગોમાં દેખાવકારો અને હસીનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. આ અથડામણમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. આંદોલનકારીઓએ ઘણા મહત્વના રસ્તાઓ પણ કબજે કરી લીધા છે. ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના કાર્યકર્તાઓ સત્તાધારી અવામી લીગના કાર્યકરોને નિશાન બનાવતા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.