Bangladesh Violence: બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ દ્વારા હિંસક દેખાવો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં સોથી વધુ લોકોના મોત થયા છે. ત્યાંની સરકાર આ બાબતે સતત દબાણમાં હોય તેવું લાગી રહ્યું હતું. નવીનતમ અપડેટ એ છે કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત તે શરણ મેળવવા ભારત આવી છે. આ માટે સેના દ્વારા ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રોયટર્સના અહેવાલ મુજબ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. શેખ હસીનાની પાર્ટીનું નામ અવામી લીગ છે. વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલું આંદોલન અનામતના મુદ્દે શરૂ થયું હતું. જે બાદ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા ઘટાડી દીધી હતી. કોર્ટના આ નિર્ણય બાદ આ આંદોલન કંઈક અંશે અટકી ગયું હતું. થોડા જ દિવસોમાં પીએમના રાજીનામાની માંગને લઈને ફરી આંદોલન શરૂ થઈ ગયું. ત્રણથી ચાર દિવસમાં આંદોલન ચરમસીમાએ પહોંચ્યું અને 100થી વધુ લોકોના મોત થયા.
શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં તખ્તાપલટની અટકળો ચાલી રહી હતી. પરંતુ ત્યાંની સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ત્યાં ટૂંક સમયમાં નવી સરકાર બનશે. સેના સંપૂર્ણ રીતે એક્શનમાં આવી ગઈ છે. આર્મી ટેન્ક સમગ્ર દેશમાં પેટ્રોલિંગ કરી રહી છે. આંદોલનકારીઓ પીએમ ઓફિસમાં ઘૂસી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેના પાસેથી શેખ હસીનાનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. આર્મી ચીફ વકાર ઝમાને પણ આ મુદ્દે સર્વપક્ષીય બેઠક યોજી છે.