pm sheikh hasina: બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકા છોડી દીધું છે. હસીનાએ કોઈ સુરક્ષિત જગ્યાએ આશરો લીધો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’, ‘મેસેન્જર’, ‘વોટ્સએપ’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આના એક દિવસ પહેલા વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે દેશના વિવિધ ભાગોમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા.
અથડામણ રવિવારે સવારે થઈ જ્યારે વિરોધીઓ ‘ભેદભાવ સામે વિદ્યાર્થીઓ’ના બેનર હેઠળ આયોજિત ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા પહોંચ્યા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો જેના પગલે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. પ્રદર્શનકારીઓ સરકારી નોકરીઓમાં અનામત પ્રથાના મુદ્દે હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુને અવગણીને હજારો વિરોધીઓ ઢાકાના શાહબાગ ચારરસ્તા પર લાંબી કૂચ માટે એકઠા થયા છે. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા.
શેખ હસીના ભારત માટે રવાના
અનામત હટાવવાની માંગ સાથે શરૂ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન સેનાના વિશેષ હેલિકોપ્ટરથી ભારત આવવા માટે રવાના થયા છે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંદોલનકારીઓ હવે વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા છે. ઈન્ટરનેટ બંધ, કર્ફ્યૂ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી. રસ્તા પરથી પોલીસને હટાવીને સેના તૈનાત કરી દેવામાં આવી છે.