Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાત(Gujarat)માં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે નવસારી(Navsari) જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. તેમજ કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.
ગત 24 કલાકમાં ખેરગામમાં(Khergam) 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ગણદેવીના અજરાઈ અને પોસરી ગામે બે મકાન તુટી પડયા હતા. તેમજ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. જ્યારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાના તમામ શાળા, આંગણવાડી, ITI અને કોલેજ આજે રોજ બંધ રહેશે. અન્ય તાલુકામાં રાબેતા મુજબ ચાલુ રહેશે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે સોમવાર (પાંચમી ઓગસ્ટ) વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.
છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.