વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ઘટાડાથી ભારતીય શેરબજાર પણ પકડમાં આવી ગયું છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારો ભયંકર ઘટાડા સાથે ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 2393.76 પોઈન્ટના ઘટાડા સાથે 78,588.19 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ NSE નિફ્ટી 50 પણ 414.85 પોઈન્ટના ઘટાડા સાથે 24,302.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 885.60 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 293.20 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
સોમવારે ભારતીય શેરબજારો ખુલ્યા ત્યારે સેન્સેક્સની 30માંથી 28 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે માત્ર સન ફાર્મા અને હિન્દુસ્તાન યુનિલિવર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
વૈશ્વિક બજારમાં ભારે વેચવાલીની અસર સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી અને સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો પ્રી-ઓપનિંગમાં 5% ઘટ્યા હતા. BSE સેન્સેક્સમાં 4000 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 650 પોઈન્ટ્સ તૂટ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારે વેચવાલીથી વિશ્વભરના બજારો હાલમાં ભયંકર ઘટાડાનો સામનો કરી રહ્યા છે. ડાઉ જોન્સ 1.51%, S&P 500 1.84%, Nasdaq 2.38%, FTSE 1.31%, DAX 2.33%, CAC 1.61% અને Nikkei 225 માં 7 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો.
શેરબજારમાં આવેલા આ ભયંકર ઘટાડા પાછળ બે મહત્વના કારણો જણાવવામાં આવી રહ્યા છે. અપેક્ષા કરતાં વધુ ખરાબ યુએસ નોકરીઓના અહેવાલે મંદીનું જોખમ વધાર્યું છે. આ સિવાય મિડલ ઈસ્ટમાં વધતા તણાવથી પણ રોકાણકારો ટેન્શનમાં છે. આ જ કારણ છે કે રોકાણકારો હવે શેરબજારમાં શેર વેચીને તેમના પૈસા ઉપાડી રહ્યા છે, જેના કારણે બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.