Brazil Plane Crash: બ્રાઝિલમાં (Brazil )એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં સાઓ પાઉલોની બહાર એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 62 લોકો સવાર હતા. સીએનએનના રિપોર્ટ અનુસાર બ્રાઝિલના સિવિલ ડિફેન્સે આ વાતની પુષ્ટિ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ક્રેશને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ કહ્યું કે એવું લાગે છે કે દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા છે. એક્સ પરના એક વીડિયોમાં તેણે લોકોને એક મિનિટનું મૌન પાળવા કહ્યું.
પ્લેન જે જગ્યાએ પડ્યું છે તે રહેણાંક વિસ્તાર હોવાનું જણાય છે. વિમાન એક ઝાડ પાસે પડ્યું. પ્લેન પડતાની સાથે જ ત્યાં પણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે તે એટીઆર-72 વિમાન હતું જે એરલાઇન વોપાસ લિન્હાસ એરિયસ દ્વારા સંચાલિત હતું. પ્લેન પરાના રાજ્યના કાસ્કેવેલથી સાઓ પાઉલોના ગુઆરુલહોસ જઈ રહ્યું હતું. સાઓ પાઉલો ફાયર બ્રિગેડે સોશિયલ મીડિયા પર પ્લેન ક્રેશની પુષ્ટિ કરી છે. એમ પણ કહ્યું કે તેણે સાત ટીમોને અકસ્માત સ્થળ પર મોકલી છે.
મળતી માહિતી પ્રમાણે, પ્લેન 17000 ફૂટની ઉંચાઈ પર હતું. બે મિનિટમાં તે 4000 ફૂટ નીચે પડી ગયું અને ત્યાર બાદ તેનું જીપીએસ સિગ્નલ નકશા પર દેખાતું નહોતું. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો આવ્યા છે. તેમાં જ્વાળાઓ અને ધુમાડો દેખાય છે અને નજીકમાં એક ઘર છે. અન્ય એક વિડિયોમાં અકસ્માત સ્થળ પર મૃતદેહો જોઈ શકાય છે.