Excise Policy Case: સુપ્રીમ કોર્ટ બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. અરજીમાં અરવિંદ કેજરીવાલે નવી આબકારી નીતિમાં કથિત અનિયમિતતાના મામલામાં તેમની ધરપકડને પડકારી છે. આ અરજીમાં જામીન આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર વહેલી સુનાવણીનું આશ્વાસન આપ્યું હતું. તેમના વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. અગાઉ, કોર્ટે સીબીઆઈ કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી હતી. આ કેસમાં સંજય સિંહ અને મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે.
હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલ હાલ જેલમાં છે. 5 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ દ્વારા ધરપકડ રદ કરવાની કેજરીવાલની માંગને ફગાવી દીધી હતી અને તેમને જામીન માટે નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. કેજરીવાલે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
SCએ ED કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે
સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ (ED) કેસમાં કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન આપી દીધા છે, જો તેમને CBI કેસમાં જામીન મળશે તો તેઓ જેલની બહાર થઈ જશે. સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં હતા. કેજરીવાલે બે અરજી દાખલ કરી છે, જેમાં એક સીબીઆઈની ધરપકડને પડકારતી અને બીજી જામીન માંગતી હતી.