Paris olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે કુલ 6 મેડલ જીત્યા જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. હવે સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને મળ્યા છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યા હતા. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી પણ તેનું જોરદાર પ્રદર્શન ચાલુ રહ્યું. ત્યારબાદ તેણે સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. ભારતીય હોકી ટીમ પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર હતી. પરંતુ ટીમને સેમીફાઈનલમાં જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા હોકી ટીમે ટોક્યોમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે સતત બે ઓલિમ્પિક મેડલ જીત્યા એટલું જ નહીં હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પણ હરાવ્યું.
ઓલિમ્પિક 2036 ભારતમાં યોજવી જોઈએ: PM મોદી
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચી પરથી પોતાના સંબોધન દરમિયાન ત્યાં હાજર ઓલિમ્પિક વિજેતાઓનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે મિત્રો, ભારતનું સપનું છે કે 2036માં યોજાનારી ઓલિમ્પિક ભારતની ધરતી પર યોજાય. અમે તેના માટે તૈયારી કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. ગયા વર્ષે મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી કોન્ફરન્સ દરમિયાન ભારતે ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. IOC પ્રમુખની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે અને તે પછી જ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.