Typhoon Ampil: જાપાનમાં ચક્રવાત એમ્પિલની અસરને કારણે ટોક્યોના દરિયાકાંઠે રહેતા કેટલાક રહેવાસીઓને તાત્કાલિક તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શુક્રવારે કેટલાક લોકોના ઘરોમાં વીજળી ગઈ હતી. ચક્રવાત હવે ટોક્યોના કિનારે પહોંચી ગયું છે. જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટર (JTWC) અનુસાર, ચક્રવાત એમ્પિલ બે દિવસમાં વધુ શક્તિશાળી બન્યું છે. ચક્રવાત આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ ચક્રવાતની અસર જાપાનની નજીકથી પસાર થતી વખતે તેની ટોચ પર રહેશે.
ચક્રવાતને ધ્યાનમાં રાખીને, ઇસુમીના દરિયાકાંઠાના વિસ્તારોમાં અધિકારીઓએ લગભગ 17,000 ઘરોને ખાલી કરાવવાની સૂચના જારી કરી હતી. આ સાથે તેમણે વૃદ્ધો અને દિવ્યાંગોને પણ સલામતી મેળવવા અનુરોધ કર્યો હતો. શુક્રવારે મોડી રાત સુધી આ વિસ્તારમાં વાવાઝોડાની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
યોકોહામા શહેરમાં પણ નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી. શુક્રવારે સવાર સુધીમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનને કારણે હજારો ઘરોની વીજળી ડૂલ થઈ ગઈ હતી. વાવાઝોડાને લઈને જાહેર કરવામાં આવેલી નોટિસ બાદ રેલવે અને એરલાઈન્સે સેવાઓ રદ કરી દીધી છે. બે મોટી એરલાઇન્સ, જાપાન એરલાઇન્સ અને ઓલ નિપ્પોન એરલાઇન્સે 500 ફ્લાઇટ્સ રદ કરી છે. ચક્રવાત એમ્પિલના કારણે રેલ્વે પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે. છ બુલેટ રેલ લાઇન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
હવામાન વિભાગે ઉત્તર અને પૂર્વી જાપાન માટે ભારે વરસાદ, ભારે પવન, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ તમામ લોકોને જરૂરી સાવચેતી રાખવા અને વાવાઝોડાની અસર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. ચક્રવાતનું કેન્દ્ર કાંઠાથી થોડું દૂર છે.